નવુભા જાડેજા, કાનાભાઈ ઉસેટીયા, પ્રભુભાઈ ઉસેટીયા, પાંચા કોલી અને જગા કોલી સહિતના શખ્સોએ હીટાચી મશીનો અને મોટા ડમ્પરો સાથે ખુલ્લેઆમ ગેરકાયદેસર ખનન શરૂ કર્યું. જ્યારે બાગીબેન અને તેમના પતિએ પોતાની જમીનમાં ઘૂસીને થતી આ ખનીજ ચોરી અટકાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે માફિયાઓએ હિંસક રૂપ ધારણ કર્યું. ગંદી ગાળો આપીને દંપતીને એટલો ઢોર માર માર્યો કે બંનેને ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી. લોહીલુહાણ હાલતમાં તેમને હોસ્પિટલના બિછાને પહોંચવું પડ્યું.
પરંતુ આ ક્રાઈમ સ્ટોરીનો સૌથી ભયાનક વળાંક ત્યારે આવ્યો જ્યારે 'રક્ષક જ ભક્ષક' બન્યા. હોસ્પિટલેથી જાણ કરવા છતાં ગાગોદર પોલીસે ગુનેગારો સામે પગલાં લેવાને બદલે પીડિત પરિવારને જ ટાર્ગેટ કર્યો. બબ્બે દિવસ સુધી પોલીસ સ્ટેશને બેસાડી રાખી, માનસિક ત્રાસ આપીને ફરિયાદો પાછી ખેંચવા દબાણ કરાયું. ત્રાસની હદ તો ત્યારે વટાવી ગઈ જ્યારે પોલીસકર્મી મહાવીરસિંહે શ્વાસની બીમારી ધરાવતા બાગીબેનનો હાથ એટલી બેરહમીથી મરોડ્યો કે અસહ્ય પીડાથી તેઓ ઢળી પડ્યા અને બેભાન થઈ ગયા. આ અત્યાચારથી તૂટી ગયેલા બાગીબેને ગાગોદર પોલીસ સ્ટેશનની છત પર ચડી ફેસબુક લાઈવ કર્યું અને મોતને વહાલું કરવાનો પ્રયાસ કર્યો, જોકે તેમને માંડ બચાવી લેવાયા.
સિસ્ટમની દાદાગીરી અહીં જ ન અટકી. જ્યારે પીડિત પરિવાર ઉચ્ચ અધિકારી (DySP) પાસે ન્યાય માંગવા જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાંથી જ પોલીસે તેમની ગાડી અટકાવી ગેરકાયદેસર અટકાયત કરી લીધી. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ પીએસઆઈ હુંબલ, પ્રતાપસિંહ, ઇન્દુબેન અને મોરી સાહેબે ધમકાવતા કહ્યું કે, "આ બધું બંધ કરો, આ ખનીજ ચોરી પાછળ મોટું રાજકારણ રમાઈ રહ્યું છે." પોતાની ભૂલ છુપાવવા પોલીસે પીડિતો પર જ ખોટો કેસ નોંધી તેમને કોર્ટમાં રજૂ કરી દીધા.આજે આ પરિવાર ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર છે. નંબર પ્લેટ વગરના બાઈક પર અજાણ્યા શખ્સો તેમનો પીછો કરે છે. "તમારા જેવા તો અહીં કેટલાય ખોવાઈ ગયા છે, મારતા વાર નહીં લાગે," તેવી ખુલ્લી ધમકીઓ વચ્ચે દીકરીના અપહરણનો ડર પરિવારને સતાવી રહ્યો છે. આખરે તમામ આશાઓ ગુમાવી ચૂકેલા બાગીબેને ગાંધીધામ એસ.પી., ભુજ આઈ.જી., રાજ્યના ડી.જી.પી. અને ગૃહમંત્રીને તમામ પુરાવાઓ, મેડિકલ રિપોર્ટ અને વીડિયો સાથે લેખિત રજૂઆત કરી છે. હવે જોવાનું એ રહે છે કે, ખાખી અને ખાદીના આ ગઠબંધન સામે સિસ્ટમ આ લાચાર પરિવારનો અવાજ સાંભળશે કે પછી માફિયાઓનો કાળો કારોબાર જીતી જશે?

