અહેવાલ : ચંદ્રેશભાઈ પટેલ (ગાંધીધામ)
LCB, SOG અને એ-ડિવિઝન પોલીસની હાજરી છતાં નશાના વેપારના આક્ષેપો, વાયરલ વીડિયોથી ચકચાર
October 05, 2026
0
પૂર્વ કચ્છના ગાંધીધામ શહેર અને આસપાસના વિસ્તારમાં નશીલા પદાર્થોના વેચાણને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. શહેરમાં પૂર્વ કચ્છ LCB, SOG તેમજ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસની કચેરીઓ હોવા છતાં નશીલા પદાર્થોનો વેપલો ચાલતો હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે.સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે નશીલા પદાર્થોના કારણે યુવા પેઢી ખાસ કરીને નાની ઉંમરના યુવકો પણ વ્યસનની ચપેટમાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં નશાના વેપાર સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત વધુ ગંભીર બની છે.એક તરફ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા નશીલા પદાર્થોના વેચાણ સાથે સંકળાયેલા ઈસમો સામે કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવતી હોવાની વાત છે, ત્યારે ગાંધીધામ વિસ્તારમાં સ્થાનિક સ્તરે પૂરતી કાર્યવાહી થઈ રહી છે કે કેમ તે અંગે હવે સવાલો ઉઠી રહ્યા છે.દરમિયાન ગાંધીધામ મહાનગર નજીકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં એક યુવક દ્વારા રૂ.100માં ગાંજાની પડીકી ખરીદવાની વાત કરવામાં આવતી હોવાનું જણાય છે અને એક મહિલાની સંડોવણી અંગે પણ દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, વાયરલ વીડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી, તેથી સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવી જરૂરી બની છે.જો ગાંધીધામ વિસ્તારમાં ખરેખર નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું હોય તો તેની પાછળ કોણ છે? આ નેટવર્ક કેટલું મોટું છે? અને સ્થાનિક પોલીસને તેની જાણ છે કે કેમ? આવા અનેક સવાલો હાલ ચર્ચામાં છે.હવે જોવાનું એ રહ્યું કે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ વાયરલ વીડિયોની ગંભીરતાથી તપાસ કરી નશાના વેપાર સામે કડક કાર્યવાહી કરશે કે નહીં. સાથે જ નશાના વેપાર સાથે સંકળાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી થાય અને યુવાનોને નશાની ચપેટમાંથી બચાવવા અસરકારક પગલાં લેવાય તેવી માંગ ઉઠી રહી છે.
Share to other apps

