ભચાઉ પ્રાંત અધિકારી તરીકે નવા આવેલા IAS અભિષેક પ્રમોદ તળેની કાર્યવાહીથી ખનીજ ચોરી કરનારાઓમાં ખડબડાટ?
October 02, 2026
0
પૂર્વ કચ્છમાં બેફામ ખનન સામે નવા પ્રાંત અધિકારીની કાર્યવાહી ચર્ચામાં, મોટી ચિરઈ સર્વે નં. 3માં લાખો ટન સાદી માટીના પુરાણ મામલે હવે કાર્યવાહી પર સૌની નજર : ભચાઉ પ્રાંત અધિકારી તરીકે નવા આવેલા IAS અધિકારી અભિષેક પ્રમોદ તળે દ્વારા કાર્યભાર સંભાળ્યા બાદ પૂર્વ કચ્છ વિસ્તારમાં ખનીજ ચોરી અને ગેરકાયદેસર ખનન સામે હાથ ધરાયેલી કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે. પૂર્વ કચ્છના વિવિધ વિસ્તારોમાં સરકારી તેમજ પડતર જમીનોમાં રાત્રિ અને દિવસ દરમિયાન બેફામ ખનન થતું હોવાની ફરિયાદો અને આક્ષેપો વચ્ચે તંત્ર દ્વારા અલગ-અલગ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.જાણવા મળતી માહિતી મુજબ, નવા પ્રાંત અધિકારીના કાર્યભાર સંભાળ્યાના શરૂઆતના દિવસોમાં જ વિવિધ સ્થળોએ ખનીજ ચોરી અંગે કાર્યવાહી કરવામાં આવી હતી અને ખનન માટે ઉપયોગમાં લેવાતા વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. જેના પગલે ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા તત્વોમાં ખળભળાટ જોવા મળી રહ્યો હોવાની ચર્ચા છે.દરમિયાન મોટી ચિરઈ ગામના સર્વે નંબર-3માં કરવામાં આવેલા માટીના પુરાણનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ, આશરે 10 એકર જેટલા વિસ્તારમાં ઊંડાણપૂર્વક સાદી માટી નાખીને પુરાણ કરવામાં આવ્યું છે. આ માટી રોયલ્ટી ભર્યા વિના લાવવામાં આવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.આ મામલે પૂર્વ કચ્છના ખાણ-ખનિજ વિભાગ દ્વારા સ્થળ પર બે વખત પંચનામું કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે. હાલ દંડની કાર્યવાહી પ્રક્રિયામાં હોવાનું પણ જાગૃત નાગરિક દ્વારા જણાવાયું છે. જોકે, સમગ્ર મામલે સરકારી રેકોર્ડ, માટીના જથ્થા, રોયલ્ટી તથા પરવાનગી સહિતના મુદ્દાઓ અંગે સત્તાવાર તપાસ અને દસ્તાવેજોના આધારે જ હકીકત સ્પષ્ટ થઈ શકે છે.હવે મુખ્ય પ્રશ્ન એ છે કે મોટી ચિરઈ સર્વે નંબર-3માં કરવામાં આવેલા સાદી માટીના પુરાણ અંગે જો રોયલ્ટી વગર મોટા જથ્થામાં માટીનો ઉપયોગ થયો હોવાના આક્ષેપો સાચા હોય, તો જવાબદારો સામે ભચાઉ પ્રાંત અધિકારી IAS અભિષેક પ્રમોદ તળે દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? ખનીજ વિભાગ દ્વારા અગાઉ કરવામાં આવેલા પંચનામા બાદ હવે આગળની કાયદેસરની કાર્યવાહી કઈ દિશામાં જાય છે અને સરકારી રોયલ્ટીની વસૂલાત તથા જવાબદારો સામે દંડાત્મક પગલાં લેવાય છે કે કેમ, તેના પર સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકોની નજર છે.
Share to other apps

