મોટી ચિરઈ સર્વે નં. 3ની જમીન મામલે ગંભીર સવાલો

0
કથિત દસ્તાવેજો, બિનખેતી પ્રક્રિયા અને વારસદારોના હક અંગે વિવાદ; તપાસ વચ્ચે કાયદેસરની કાર્યવાહી માટે કોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી ભચાઉ તાલુકાના મોટી ચિરઈ ગામના સર્વે નં. 3ની વિવાદાસ્પદ જમીનને લઈને કથિત રીતે દસ્તાવેજો, બિનખેતી પ્રક્રિયા તથા જમીનના વારસદારોના હક અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. આ સમગ્ર મામલે સંબંધિત દસ્તાવેજોની કાયદેસરતા અને રેવન્યુ રેકર્ડની નોંધોની તપાસ કરવાની માંગ ઉઠી છે.મળતી વિગતો મુજબ, સર્વે નં. 3 અંગે પ્રથમ દસ્તાવેજ તા. 13/08/2007ના રોજ અભય કિશન પદમનાભ શર્મા અને હિતેશ કિશોર રાણવાલાના નામે કરવામાં આવ્યો હતો. તેઓ ખેડૂત ખાતેદાર ન હોવાના કારણે સંબંધિત નોંધ મંજૂર થઈ ન હોવાનું જણાવાય છે.ત્યારબાદ તા. 15/07/2009ના રોજ સંજય ઓમપ્રકાશ ગોયલના નામે દસ્તાવેજ રજીસ્ટર કરવામાં આવ્યો હતો. તેઓ પણ ખેડૂત ખાતેદાર ન હોવાના કારણે આ દસ્તાવેજના આધારે થયેલી નોંધ મંજૂર થઈ ન હોવાનું જણાવાયું છે.આ પછી તા. 15/09/2018ના રોજ કાનજીભાઈ વેલજીભાઈ પટેલ અને હરપાલસિંહ બટુકસિંહ જાડેજાના નામે દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તા. 29/08/2019ના રોજ સદરહુ જમીનને બિનખેતીમાં ફેરવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.વધુમાં, તા. 09/03/2026ના રોજ કુણાલ કમલેશભાઈ વોરાના નામે સદરહુ જમીનનો દસ્તાવેજ રજીસ્ટર કરવામાં આવ્યો હોવાનું જણાવાય છે. જોકે, રજૂ થયેલી વિગતો મુજબ આજદિન સુધી આ દસ્તાવેજના આધારે રેવન્યુ રેકર્ડમાં જમીન પોતાના નામે ચડાવવા માટે કોઈ નોંધ કરવામાં આવી નથી.વારસદારોના હક અંગે પણ ઉઠ્યા સવાલો : આ સમગ્ર મામલામાં વધુ ગંભીર મુદ્દો એ છે કે, વનાજી ભારાજીના પાંચ દીકરીઓ હોવાનું અને તેઓ હાલ હયાત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રજૂઆત મુજબ તેઓ કાયદેસર વારસદાર અને હકદાર હોવા છતાં સદરહુ જમીન અંગેના દસ્તાવેજોમાં તેમના હકનો ત્યાગ કે હક કમી અંગેના કાયદેસર દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હોવાના પુરાવા સામે આવ્યા નથી.આથી, કાયદેસર વારસદારોની સંમતિ કે હક કમીના દસ્તાવેજો વિના જમીનના દસ્તાવેજો અને ત્યારબાદની બિનખેતી પ્રક્રિયા કેવી રીતે થઈ? તે અંગે તપાસની માંગ ઉઠી છે.લાખો ટન માટીના પુરાણનો પણ આક્ષેપ : સદરહુ જમીન પર કોઈ રોયલ્ટી વિના મોટા પ્રમાણમાં સાદી માટી નાખી પુરાણ કરવામાં આવ્યું હોવાના પણ આક્ષેપો થયા છે. જેના કારણે સરકારી તિજોરીને મોટું નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.આ બાબતે પૂર્વ કચ્છ ખાણ-ખનીજ વિભાગની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હોવાનું અને પંચનામું કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. સમગ્ર મામલે હાલ તપાસ અને કાયદેસરની કાર્યવાહી ચાલુ હોવાનું જાણવા મળે છે.દસ્તાવેજોની કાયદેસરતા અંગે તપાસ જરૂરી ; રજૂઆત કરનારાઓનો આક્ષેપ છે કે અગાઉના દસ્તાવેજોમાં ખરીદનાર વ્યક્તિઓ ખેડૂત ખાતેદાર ન હોવા છતાં અગાઉના દસ્તાવેજો રદ થયા વિના આગળના દસ્તાવેજો કરવામાં આવ્યા છે. આથી સમગ્ર દસ્તાવેજી પ્રક્રિયા અને રેવન્યુ રેકર્ડની એન્ટ્રીઓની કાયદેસરતા અંગે સઘન તપાસ જરૂરી બની છે.જમીનના મૂળ માલિકી હક, વારસાઈ હક, અગાઉના દસ્તાવેજો, બિનખેતી મંજૂરી તથા હાલના દસ્તાવેજો—આ તમામ બાબતોની સત્તાવાર તપાસ બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થઈ શકે તેમ છે.કોર્ટમાં જવાની તૈયારી : જેઓના વારસાઈ હકને નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તેઓ પોતાના કાયદેસર હક મેળવવા માટે સક્ષમ કોર્ટ સમક્ષ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.સાથે જ, એક જાગૃત નાગરિક દ્વારા ઉપરોક્ત દસ્તાવેજોની કાયદેસરતા અને સમગ્ર જમીન વ્યવહારની તપાસ કરાવવા તથા જરૂરી જણાય તો દસ્તાવેજો રદ કરાવવા માટે નામદાર કોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી કરવાની તૈયારી કરવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળે છે.હવે જોવાનું રહ્યું કે મોટી ચિરઈ સર્વે નં. 3ની આ વિવાદાસ્પદ જમીન અંગે રેવન્યુ તંત્ર, ખાણ-ખનીજ વિભાગ અને અન્ય સત્તાધિકારીઓ દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે અને દસ્તાવેજો તથા વારસદારોના હક અંગેની હકીકત તપાસ બાદ શું બહાર આવે છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top