મોટી ચીરાઈ સર્વે નં. 3ના દસ્તાવેજો મામલે જાગૃત નાગરિક મેદાને: રદ કરવાની માંગ સાથે હાઈકોર્ટનો દરવાજો ખખડાવવાની તૈયારી
September 19, 2026
0
મોટી ચીરાઈ સર્વે નં. 3ની વિવાદિત જમીન મામલે પંચનામું "મામલતદાર કચેરીની ટીમે ફરિયાદીને સાથે રાખી સ્થળ તપાસ હાથ ધરી, દસ્તાવેજોની કાયદેસરતા સામે સવાલો" ભચાઉ તાલુકાના નવી મોટી ચીરાઈ ગામે આવેલ સર્વે નંબર 3ની વિવાદિત જમીન મામલે ભચાઉ મામલતદાર કચેરીના સર્કલ અધિકારી સહિતની ટીમ દ્વારા ફરિયાદીને સાથે રાખીને સ્થળ તપાસ કરી પંચનામું કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.ફરિયાદી દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો મુજબ, સર્વે નંબર 3ની જમીનના માલિકી હક અને દસ્તાવેજોને લઈને વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. ફરિયાદીના આક્ષેપ મુજબ, જમીનના પ્રથમ માલિક તરીકે સ્વ. ભારાજી હરિસંઘસિંહ જાડેજાનું નામ રેકર્ડમાં દર્શાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ વર્ષ 1972માં વારસાઈ હકના આધારે વનાજી ભાણાજીના નામે હક નોંધાયો હતો. તેમના અવસાન બાદ વર્ષ 2000માં વારસદાર તરીકે રોહિતસિંહ વનાજીના નામે નોંધ કરવામાં આવી હતી.ત્યારબાદ વર્ષ 2007માં અભય કિશન પદનાભ શર્માના નામે દસ્તાવેજ થયો હોવાનું તેમજ તેમાં ભાગીદાર તરીકે હિતેશ કિશોર રાણવાળાનો ઉલ્લેખ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ત્યારબાદ વર્ષ 2009માં સંજય ઓમપ્રકાશ ગોહિલના નામે અને વર્ષ 2018માં કાનજી વેલજી પટેલના નામે દસ્તાવેજ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદીનું કહેવું છે કે, તા. 29/08/2019ના રોજ જમીન બિનખેતી થયેલી હોવા છતાં અગાઉના દસ્તાવેજો રદ થયા અંગે સ્પષ્ટતા થયા વગર ત્યારબાદના વ્યવહારો કરવામાં આવ્યા હોવાના કારણે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ જરૂરી બને છે.વધુમાં, તા. 09/03/2026ના રોજ કુણાલ કમલેશ વોરાના નામે દસ્તાવેજ થયેલો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદીનો આક્ષેપ છે કે અગાઉના દસ્તાવેજો રદ થયા અંગેની કાર્યવાહી થયા વગર સોગંદનામાના આધારે આગળનો દસ્તાવેજ કરવામાં આવ્યો છે, જેની કાયદેસરતા અંગે તપાસ થવી જોઈએ.આ સમગ્ર મામલે ફરિયાદી દ્વારા દસ્તાવેજોની મૂળ નોંધ, હકપત્રક, વારસાઈ નોંધ, બિનખેતી હુકમ તથા ત્યારબાદ થયેલા તમામ દસ્તાવેજોની કાયદેસરતા અને પ્રક્રિયાની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તો જમીન વ્યવહારમાં કોઈ ગેરરીતિ થઈ છે કે નહીં તે સ્પષ્ટ થઈ શકે તેવી રજૂઆત કરવામાં આવી છે.ફરિયાદી પક્ષનું કહેવું છે કે, સમગ્ર મામલે જરૂરી કાનૂની કાર્યવાહી માટે હાઈકોર્ટનો દરવાજો ખખડાવવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે. જો કોર્ટમાં મામલો જાય તો જમીનના દસ્તાવેજો અને સરકારી રેકર્ડના આધારે સમગ્ર હકીકત બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.હાલ મામલતદાર કચેરીની ટીમ દ્વારા કરવામાં આવેલા પંચનામા અને સ્થળ તપાસ બાદ સમગ્ર મામલે આગળ કઈ કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે. જમીન સંબંધિત તમામ દસ્તાવેજોની સત્તાવાર તપાસ અને સક્ષમ સત્તાધિકારીના નિર્ણય બાદ જ આક્ષેપોની વાસ્તવિકતા સ્પષ્ટ થશે.
Share to other apps

